એક વખત ભગવાન બુદ્ધે એક સ્થાન પર રાત્રી રોકાણ કર્યું. રાત્રે બુદ્ધ ફક્ત એકજ પડખે સુતા રહ્યા. આ જોઈ તેના શીષ્યએ સવારે પૂછ્યું, "ભગવાન, આપ રાત્રે સુતા હતા કે જાગતા હતા?" ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે મારું શરીર સુતું હતું પણ મન તો જાગતું જ હતું. શીષ્યને કશું સમજાયું નહિ. આ જોઈ બુદ્ધે કહ્યું કે સમય આવ્યે બધું સમજાઈ જશે. થોડા સમય બાદ ભગવાન બુદ્ધ કથા કરી રહ્યા હતા ત્યારે એક ભક્ત પગ હલાવી રહ્યો હતો. બુદ્ધે પૂછ્યું, "ભાઈ તું પગ કેમ હલાવી રહ્યો છે?" ભક્તે જવાબ આપ્યો કે ભગવાન મને તો ખ્યાલ જ નથી કે મારો પગ હલી રહ્યો છે. ભગવાન બુદ્ધે તરતજ શીષ્યની સામે જોઈ ને કહ્યું કે આ માણસનું શરીર તો જાગે છે પણ મન ની અવસ્થા તો સુતા બરાબર જ છે.
ઘણી વખત આપની પરિસ્થિતિ પણ આવી જ કંઇક થાય છે. આપણે શું કરી રહ્યા છીએ, શુંબોલી રહ્યા છીએ, એની આપણને ખબર હોતી જ નથી. જ્યાં સુધી શબ્દો બોલાયા નથી ત્યાં સુધી તે તમારા કાબુ માં છે, પરંતુ એક વખત શબ્દો બોલાઈ ગયા પછી તમે શબ્દો ના કાબુ માં છો તે જાણવા છતા પણ ભૂલ થઇ જાય છે. ઓશો રજનીશે કહ્યું છે કે, Awareness is the first step towards Enlightenment. આપણી આપણા કામ પ્રત્યેની, આપણી વાચા પ્રત્યેની, સૃષ્ટિ પ્રત્યેની જાગૃત્તાજ આપણને ઈશ્વર ણી સમીપ લઈ જાય છે. હિંદુ ધર્મ માં જયારે મંદિર માં જઈએ ત્યારે ઘંટ વગાડીએ છીએ . આ ઘંટ એ આપણી મરી પરવારેલી જાગૃતતાને સચેતન કરવાનો સંદેશ છે, નહી કે દીનાનાથ ને જગાડવાનો, એ તો જાગેલો જ છે.
એક સુફી સંત ને ત્યાં થોડા મહેમાનો આવેલા. એમના એક મહેમાને સુફી સંત નું ઘર જોઈ ને કીધું કે તમારી પાસે બેસવા માટે ખુરશી નથી? સંતે જવાબ આપ્યો કે તમારે લેતી આવાવી જોઈએને. મેહેમાને કહ્યું કે હું તો અહી મહેમાન છુ. ત્યારે સુફી સંતે જવાબ આપ્યો કે હું પણ અહી મહેમાન જ છુ ને.
વાસ્તવિકતા પણ કૈક આવી જ છે. પૃથ્વી તેમજ સમગ્ર સૃષ્ટિ નો માલિક તો પરમકૃપાળુ પરમાત્મા જ છે, તમેતો ફક્ત એક હંગામી ઉપભોક્તા જ છો..... A Temporary User. તમારી અને ઈશ્વર ની વચ્ચે થયેલા એક બિનશરતી કરાર ના ભાગરૂપ. તો પછી માંલીકીપણાનો ભાવ શા માટે? જે કઈ આપણી પાસે છે, આપણી આસપાસ છે તેનો આનંદ લેવાને બદલે ફરિયાદો નો ખડકલો શા માટે? જ્યાં તમારી માલિકી નો કોઈ સવાલ જ ઉઠતો નથી ત્યાં પછી અહંમ શા માટે? જયારે અહંમ ત્યજી ને બીજાના જીવનને આનંદમય બનાવવાના પ્રયત્નો માં રચ્યા પચ્યા રહીશું ત્યારે આપણુ જીવન આનંદમય બનવાનું જ. જયારે બીજાના ધ્યેયપૂર્તિમાં આપનો ધેય શોધીશું ત્યારેજ સાચા આનંદ ની પ્રાપ્તિ થશે અને ત્યારેજ ઈશ્વર ના દર્શન પણ થશે.
No comments:
Post a Comment