Tuesday, February 14, 2012

દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે?

શની રવિ ની રજા પછી સોમવાર ની સવાર હમેશા આકરી જ્ પડે. ફરી ઓફીસે જવું પડશે એમ વિચારી ને હું ઉઠ્યો, ઘરનું બારણું ખોલ્યું ને છાપું હાથમાં લીધું. જોયું તો આ શું?

મારો ફોટો........છાપામાં.......પણ મારો ફોટો આ અવસાન નોંધ માં શા માટે?.................

એક મીનીટ..... જરા વિચારવા દે.....
હા યાદ આવ્યું.......ગઈકાલે રાત્રે સુતા વખતે મને છાતી માં અસહ્ય દુખાવો ઉપાડ્યો હતો. મને શહેર ની સારામાં સારી હોસ્પિટલ માં લઇ ગયા પણ ત્યાં તો થોડી જ વાર માં મને ખુબ સરસ નીંદર આવી ગયેલી....

અત્યારે સવાર ના દસ વાગ્યા છે? મારી ચા ક્યાં છે? હું ઓફિસે મોડો પહોચીશ તો મારા બોસ ને મને પજવાવાનો વધુ એક મોકો મળી જશે. .............. ઘર ના બધા ક્યાં છે?

મને લાગે છે કે મારા રૂમ ના દરવાજા પાસે મારા જાણીતા લોકો ઉભા છે, પણ એ બધા શા માટે રડી રહ્યા છે? જરા જોવા તો દે, એમ વિચારી ને મેં રૂમ માં જોવાનો પ્રયત્ન કર્યો. જોયું તો આ શું?........ હું જમીન પર ચત્તોપાટ પડ્યો હતો. હું તો આ દ્રશ્ય જોઈ ને ડઘાઈ જ ગયો. મેં બધા ને કહ્યું, "જુઓ, મારી તરફ જુઓ... સંભાળો તો ખરા.... હું તમારી બાજુમાં જ ઉભો છુ. તમે ત્યાં કોને જોઈ રહ્યા છો? અરે મારી સામું જુઓં... ત્યાં નહિ....."

મારી આટલી બુમો મારવા છતાં કોઈ મારી સામે જોતું ન હતું. બધા મારા જમીન પર પડેલા શરીર ને જોઈ રડી રહ્યા હતા....

શું હું મૃત્યુ પામ્યો છુ? મેં મારી જાત ને સવાલ કર્યો. મારા પત્ની ને બાળકો ક્યાં છે? હું બબાકળો બની તેમને ગોતવા લાગ્યો. જોયું તો બાજુના રૂમ માં મારી પત્ની રડી રહી હતી અને એની માં ને રડતી જોઈ, મારા બાળકો પણ રડી રહ્યા હતા. આ દ્રશ્ય મારા માટે સોથી કઠીન અને હૃદયદ્રાવક હતું. હું હજુ પણ આ પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર ન હતો. હું કેવી રીતે માની શકું કે મારું જીવન અહીયાજ પૂરું થઇ ગયું છે?

હું આ દુનિયા કેવી રીતે છોડી શકું જ્યાં મેં હજુ સુધી મારી પત્ની ને કદી કહ્યું જ નથી કે તે આ જગત ની સૌથી સુંદર વ્યક્તિ છે, તેને મારી ખુબ સારસંભાળ લીધી છે, મારા બાળકોને સારા સંસ્કારો આપ્યા છે. હું આ દુનિયા કેવી રીતે છોડી શકું કે જયારે મેં કદી મારી પત્ની ને બાળકોને કહ્યું જ નથી કે હું તેમને કેટલો પ્રેમ કરું છુ. હું મારા મિત્રો નો ઉપકાર માન્ય વગર જઈ જ કેવી રીતે શકું. તેમના માર્ગદર્શન ના કારણેજ હું મારા જીવનમાં સાચા નિર્ણયો લઇ શક્યો. જે પેલી તરફ ઉભેલ વ્યક્તિ એક સમય મારો ખુબ નજીકનો મિત્ર હતો. એક નાનકડી ગેરસમજ ના કારણે અમારી વચ્ચે બોલવાના પણ વ્યવહારો રહ્યા ન હતા. હું તેની માફી માગવા ઈચ્છું છુ. પરંતુ મને લાગે છે કે અહિયા રહેલી કોઈપણ વ્યક્તિ મને જોઈ કે સાંભળી શકતી નથી.

હું ખરેખર મૃત્યુ જ પામ્યો છુ. હું નિરાશ થઇ મારા મૃતપાય શરીર ની બાજુમાં બેસી ખુબજ રોવા લાગ્યો. ઈશ્વર ને આજીજી કરવા લાગ્યો કે હે ભગવાન ! મને થોડા દિવસ વધારે જીવવાનો મોકો આપ. ફક્ત થોડા જ દિવસ. હું મારા પરિવારને , મારા મિત્રો ને એક વખત કહેવા માગું છુ કે હું તેમને કેટલો પ્રેમ કરું છુ. હું મારી પત્ની કહેવા માગું છુ કે આખી દુનીયા માટે તું એક વ્યક્તિ છો પણ એક વ્યક્તિ માટે તું આખી દુનિયા છો. હે પ્રભુ, થોડો વધારે સમય આપ, ફક્ત એક મોકો મારા બાળકો ને છાતીસરસા ચાંપવાનો. એક મોકો, મારા જીવન ની ચડતીપડતી માં મારો સાથ આપવા બદલ મારી પત્ની નો આભાર માનવાનો.

હું ચીસ પડી ઉઠ્યો, ભગવાન એક મોકો PLEASEEEEEEEEEEEE

શું તમે નીંદર માં કોઈ ખરાબ સ્વપ્ન જોયું? ........... મારી પત્ની એ મને ધીમેકથી જગાડ્યો...હું ઝબકી ને જાગી ગયો. જોયું તો બાજુ માં મારી પત્ની બેસી ને મને કહી રહી હતી કે મેં કોઈ ખરાબ સ્વપ્ન જોયું અને એટલે જ મારાથી ઊંઘ માં ચીસ પડી ગઈ. મેં કહ્યું કે એ કોઈ ખરાબ નહિ પરંતુ આંખો ઉઘાડનાર સપનું હતું. મેં ત્યારેજ મારી પત્ની નો આભાર માન્યો અને કહ્યું કે તું આ જગત ની સૌથી સારામાં સારી પત્ની છો. તે મારા જીવન ના સારા ખરાબ દરેક પ્રસંગે મારો સાથ આપ્યો છે એનો હું આભાર માનું છુ અને તને ખુબજ પ્રેમ કરું છુ. મને આ બીજો મોકો આપવા બદલ અને મારી આંખો ખોલવા બદલ મેં પરમકૃપાળુ પરમાત્મા નો ખરા દિલ થી આભાર પ્રગટ કર્યો. I thanked god for giving me this SECOND CHANCE.

હું તો જાગી ગયો...... શું તમે હજી સુતા છો?????????
-------------------------------------------------------------
આ નાનકડી વાર્તા ઘણું કહી જાય છે. ખરેખર દરેક સવાર એ આપણને ઈશ્વરે આપેલો બીજો મોકો છે - આપના અહમ ને ભૂલવાનો, આપણી આજુબાજુ માં રહેલી તમામ વ્યક્તિ માં ઈશ્વર ને ઓળખવાનો, હસવાનો - હસાવવાનો અને આનંદ કરવાનો. પરંતુ ભાગદોડ ભરી જીંદગી માં આપણે દરેક દિવસે આ મોકો ગુમાવીએ છીએ. ઈશ્વરે પૃથ્વી બનાવી તો તેની સાથે એ તમામ વસ્તુઓ મૂકી કે જેનાથી આપણે આનંદ મેળવી શકીએ. પરમાત્મા એ પહાડો બનાવ્યા, નદી, ઝરણાઓ, રંગબેરંગી ફૂલો અને પક્ષીઓ બનાવ્યા. કડી સૂર્યોદય ને નીરખી ને જોયો છે? એમ લાગે કે કોઈ ઋષિ તપ કરીને ના ઉઠ્યા હોય ને પક્ષીઓ તેને તેના કલરવ થી વધાવતા હોય! સવારના સુર્ય ની કોમળતા અને ચંદ્ર ની શીતળતા નું કોઈ મૂલ્ય જ ના આંકી શકાય. પરંતુ આપણે ઈશ્વરસર્જિત કૃતિઓ માંથી આનંદ મેળવવાની બદલે માનવસર્જિત મામુલી વસ્તુઓમાંથી આનંદ મેળવવા ટેવાયેલા છીએ, અને આ વસ્તુઓ ને મેળવવા માટે દરેક દિવસે ગાંડાની માફક ભાગદોડ કરીએ છીએ.

આ ભાગમભાગી ની પરાકાષ્ઠા નો એક દાખલો ભારત ના કોર્પોરેટ ક્ષેત્ર ની વ્યક્તિ સાથે બન્યો. એક Multinational સોફ્ટવેર કંપની S A P ના ચીફ એક્ઝીક્યુટીવ શ્રીમાન રંજન દાસ નું ૪૨ ની નાની વયે ૨૧ ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ હૃદયરોગ ના હુમલા ના કારણે દુખદ અવસાન થયું. શ્રીમાન રંજન દસ એક સારા એથ્લેટ અને મેરેથોન વિનર હોવાની સાથે સાથે એક હેલ્થ કોન્શિયસ વ્યક્તિ પણ હતા. મુંબઈ માં સવારે બીચ પર મોર્નિંગ વોક કરવા નીકળેલા ઘણા લોકો તેમનાથી પરિચિત હતા. આટલી સારી સારસંભાળ રાખવા ચાત આટલી નાની ઉમરે આવું બન્યું કેમ? એવું કહેવાય ચે કે એનું એકમાત્ર કારણ હતું તનાવ અને તેના કારણે રાત્રે ન થતી પૂરતી ઊંઘ. આજની ગળાકાપ સ્પર્ધા માં ઉચ્ચો હોદ્દો અને પૈસાદાર ને પણ શરમાવે તેવું વૈભવી જીવન જીવવાની લાલસાએ વ્યક્તિ ને ઘાંચી ના બળદ જેવો બનાવી દીધો છે.

શું તમને નથી લાગતું કે આ ભાગદોડ થી ભરેલી જિંદગીમાંથી પોતાના માટે થોડો સમય કાઢવો હવે અનિવાર્ય છે? થોડા સમય પહેલા મારા પિતાશ્રી ને તેમના અમેરિકા માં રહેતા એક મિત્રે થોડીક પંક્તિઓ મોકલી જે અહી લખી રહ્યો છુ................




દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરા તો નજર નાખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર ઉજવાય છે.
દિવાળી હોય કે હોળી, હવે તો બધુ ઓફીસમાંજ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું પરંતુ હદ તો ત્યાં થાય છે,
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ ક્યાં વપરાય છે.
પત્ની નો ફોન બે મિનિટ માં કાપીએ પણ Client કે Boss નો ફોન ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રો થી પણ કોઈનાય ઘેર ક્યાં જવાય છે.
હવે તો ઘરનાય પ્રસંગો હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈનેય ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે.
થાકેલા છે બધા પણ ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇકને ડોલર કે પાઉન્ડ દેખાય છે.
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય છે?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલતા પ્રવાહ માં આપણા સંસ્કારો ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એકવાર તો દિલ ને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈએ મને હજુ સમય દેખાય છે.



દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરા તો નજર નાખ, સામે કબર દેખાય છે.

No comments:

Post a Comment