Tuesday, February 14, 2012

સબળ ઇચ્છાશક્તિ સફળતા અપાવે!!!! - મયુર ગાંધી

મુંબઈથી ૧૦૦ કિમીના અંતરે આવેલા પનવેલમાં શાળાકીય સુવિધા એવી નથી કે જેના પર ગર્વ કરી શકાય. ત્યાં રહેતી અર્ચના પાટિલ આજકાલ બહુ ખુશ છે. આખરે તેમની મહેનત રંગ લાવી છે. તેમનો દીકરો જતિન (જે ઓટિઝમથી પીડિત છે) દુનિયાના દસ દેશોમાંથી પસંદ કરાયેલાં એ ૫૦૦ બાળકોમાં સામેલ છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલંપિયાડના લેવલ ટૂમાં ઉપસ્થિત રહેશે.





છઠ્ઠા ધોરણમાં ભણતા જતિનની બીજી પણ અનેક ઉપલબ્ધિઓ છે. તે ચોથા ધોરણમાં રાયગઢ જિલ્લામાં સ્કોલરશિપ એકઝામમાં પ્રથમ આવ્યો હતો. જતિનને ગણિતના પ્રશ્નોના જવાબ શોધવામાં મજા આવે છે. તેના ચહેરાની નિર્દોષતા લોકોનાં દિલ જીતી લે તેવી છે. તે અજાણ્યા લોકો સાથે વાત કરતાં ગભરાય છે.

તેને તમે ઘરમાં મોટા ભાગે એનસાઇકલોપીડિયાનાં પાનાં પલટાવતાં જ જોશો. પસંદગીના વિષય અંગે પૂછતાં જતિનનો જવાબ હોય છે, ‘મને અંતરિક્ષને લગતા કાર્યક્રમો ગમે છે. ગ્રહ, નક્ષત્ર, તારામંડળ અને અન્ય ખગોળીય વસ્તુઓ વિશે વાંચવું ગમે છે. ડિસ્કવરી ચેનલ પર અંતરિક્ષ સંબંધિત કાર્યક્રમ ઉપરાંત કાટૂર્ન જોવા પણ ગમે છે.’

જતિનની બહેન રશ્મિ સાંભળી શકતી નથી, પરંતુ તે સારી શાસ્ત્રીય નત્યાંગના છે. તેની માતા અર્ચનાનું કહેવું છે કે ‘શરૂઆતમાં મેં જતિનને સ્પીચ થેરાપી માટે મોકલ્યો હતો. ત્યાર બાદ મેં પણ મુંબઈમાં એક કોર્સ કર્યો, જેમાં શિખવાડવામાં આવ્યું કે આ પ્રકારનાં બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ.

મેં રશ્મિ માટે એક વર્કશોપમાં ટ્રેનિંગ લીધી હતી, જેનો મને ઘણો ફાયદો થયો. હવે હું મારાં બંને બાળકોને શીખવી શકું છું.’ અર્ચનાએ પોતાની નોકરી છોડીને પોતાનો બધો સમય બાળકોને સમર્પિત કરી દીધો. અર્ચનાના પતિ સુરેશ પાટિલ વકીલ છે. અભ્યાસમાં અવ્વલ જતિને ઓલ ઇન્ડિયા ઓપન મેથ્સ સ્કોલરશિપ એકઝામમાં ૪૩મો નંબર મેળવ્યો.

વર્ષ ૨૦૦૮-૦૯માં તે મહારાષ્ટ્ર ગણિત અઘ્યાપક મંડળની પરીક્ષામાં રાયગઢ જિલ્લામાં સાતમા સ્થાને રહ્યો હતો. તેના પિતા સુરેશનું કહેવું છે કે ‘તેને ૬નો આંકડો લખવામાં તેમજ પેઇન્ટિંગ કરવામાં તકલીફ પડતી હતી. અમે તેની આ નબળાઈઓ પર કામ કરીને એ નક્કી કર્યું કે તે ઝડપથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકે. તેનું જ પરિણામ છે કે વર્ષ ૨૦૦૬-૦૭માં તેણે કલા ચિલ્ડ્રન એકાદમીમાંથી ગોલ્ડમેડલ હાંસલ કર્યો.’ફંડા એ છે કે જો તમારામાં આગળ વધવાની અદમ્ય ઇચ્છા અને જુનૂન હોય તો વિકલાંગતા તમારા માર્ગની મુસીબત નથી બની શકતી

No comments:

Post a Comment