Tuesday, February 14, 2012

નિષ્ફળતા પછી સફળતા માટેના કીમિયા - મયુર ગાંધી

જેનાં જીવનનાં સાહસોની સફળતા કરતાં નિષ્ફળતાનું લિસ્ટ લાંબુ છે તે ‘એપલ’ કોમ્પ્યૂટરના સ્વામી સ્ટિવ જોબ્સના જીવન વિશે બીજો હપ્તો લખવાનું પ્રયોજન એ છે કે તેણે સાહસિક-યુવાન-બિઝનેસમેનો માટે પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે. તેના જીવન વિશે ૧૦૩ પુસ્તકો લખાયાં છે અને કહ્યું છે કે રિપીટેડ ફેલ્યોરમાંથી જ જીવનની પરમસિદ્ધિ મળે છે.


સ્ટિવ જોબ્સના મરણ વિશે બબ્બે વખત પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાઓએ સમાચારો આપેલા. બ્લુમબર્ગ નામની ખૂબ જ પ્રતિષ્ઠિત ટીવી ચેનલે તો સ્ટિવ જોબ્સના જીવન વિશે ૨૫૦૦ શબ્દોની મરણનોંધ પણ પ્રગટ કરેલી. તે પછી ૩-૧૦-૨૦૦૮ના રોજ સ્ટિવ જોબ્સને મરણતોલ હૃદયહુમલો થયો છે તેવા ખોટા સમાચારો સીએનએનએ પ્રસારિત કરેલા. એ પ્રકારે કયુબાના ક્રાંતિકારી પ્રમુખ ફિડેલ કેસ્ટ્રો અને પોપ જ્હોન પોલ બીજાના મરણના પણ ખબર છપાયેલા તેમાંથી તેમને લાંબુ આયુષ્ય મળેલું છે. છેલ્લે છેલ્લે સ્ટિવ જોબ્સના લીવરના ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન ફેલ ગયું છે તેવા સમાચાર હતા.


એ. ટી. એન્ડ ટી. નામની જગવિખ્યાત સોફ્ટવેર કંપનીના ભારતીય વડા દીપક શેઠીએ કહ્યું છે કે ‘ફેલ્યોર ઈઝ પ્રાઈમરી વેહિકલ ફોર સક્સેસ.’ સફળતા માટેની ઝડપી છૂકછૂક ગાડીમાં બેસવું હોય તો નિષ્ફળતાથી નિરાશ ન થાઓ. જો આપણા વડીલો યુવાન લોકોને જીવનમાં નવા નવા અખતરા કરવાની છૂટ આપે, નવા નવા જીવન-પ્રયોગો કરવાની છૂટ આપે તો તેને નિષ્ફળ થવાની સ્વતંત્રતા પણ આપવી જોઈએ.


પ્રમુખ અબ્રાહમ લિંકને ૧૮૩૧માં બિઝનેસમાં ફેલ જઈને દેવાળું કાઢેલું. ૧૮૩૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા. પાછા બિઝનેસમાં આવ્યા ત્યારે અબ્રાહમ લિંકન ફરી ફેલ થયેલા. તેના હૃદયની જીગર-સ્વીટહાર્ટ ૩૫ની વયે ગુજરી ગઈ. લિંકનને ૧૮૩૬માં નર્વસ બ્રેકડાઉન થઈ ગયેલું. કોંગ્રેસની ચૂંટણીમાં ૧૮૪૩માં હારી ગયેલા. ઉપપ્રમુખની ચૂંટણીમાં અને સેનેટમાં હારી ગયા પછી છેક ૧૮૬૦માં લિંકન પ્રમુખ થયેલા. બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટની સફળતાની વાતો થાય છે પણ તેની ‘ઓમેગા’ નામની ડેટાબેઈઝ ફેલ ગયેલી. આઈ.બી.એમ. સાથેની ભાગીદારીમાં બિલ ગેટ્સે કરોડો રૂપિયા ગુમાવેલા.


સ્ટિવ જોબ્સે તેના જીવનમાં શ્રેણીબદ્ધ નિષ્ફળતા પછી સફળતાના બાર નિયમો ઘડેલા. (૧) તમે જે પ્રવૃત્તિને ચાહતા હો તે કામ જ હાથમાં લો અને છેવટે હાથમાં લીધેલા કામને પ્રેમ કરો. (૨) બી-ડિફરન્ટ-બીજા કરતાં ચીલો ચાતરીને ચાલો. અનોખા થાઓ. (૩) ડુ યોર બેસ્ટ-સફળ થવા કોઈ પ્રયત્ન બાકી ન રાખો. (૪) દરેક નિષ્ફળતાનું પૃથક્કરણ કરો. (૫) ધંધામાં સાહસ કરો. (૬) નાનેથી શરૂઆત કરો પણ ઘ્યેય ઊચું રાખો. (૭) જે વ્યવસાયમાં જાઓ તેના નેતા બનો. બીજા લોકો માટે પ્રેરણારૂપ બનો. (૮) હંમેશાં ફોક્સ જાળવો. (૯) ચારેકોરથી લોકોનો સહકાર મેળવો. (૧૦) સતત-સતત કંઈક નવું કરો. (૧૧) તમારી નિષ્ફળતામાંથી શીખો. (૧૨) સતત નવું શીખતા રહેવા પુસ્તકો વાંચો. બીજાનાં જીવનચરિત્રો વાંચો.


‘ફોર્બસ’ નામના સફળ આર્થિક પાક્ષિકના માલિક માલ્કમ ફોર્બસે કહેલું કે ફેલ્યોર ઇઝ સકસેસ ઇફ વી લર્ન ફ્રોમ ફેલ્યોર. આ જાતની શીખ જગતના તમામ સફળ લોકો આપે છે. નિષ્ફળતામાંથી શીખીએ તો નિષ્ફળતા એ એક મોટો શિક્ષક છે. સ્ટિવ જોબ્સ કેમ નિષ્ફળતાઓને પાર કરીને સફળતાની ટોચે આવ્યો છે તે માટે જેફ્રી એસ. યંગનું પુસ્તક ‘ધ ગ્રેટેસ્ટ સેકન્ડ એક્ટ ઇન બિઝનેસ હિસ્ટ્રી’ નામનું પુસ્તક વાંચવું જોઈએ.


જેફ્રી યંગે સૌપ્રથમ સ્ટિવ જોબ્સની આત્મકથા લખી છે. તમે પોતે લોહી-પાણી એક કરીને અને ઉજાગરા કરીને તેમ જ પ્રેમલગ્નવાળી પ્રિયતમાને પૂરતો સમય આપવાને બદલે કંપનીમાં જ ઘ્યાન રાખો તેવા વલણથી ‘એપલ’ કંપની સ્થાપી હોય તે બીજાઓ ઝૂંટવી જાય તેની કેવી હાલત થાય? સ્ટિવ જોબ્સે આવી હાલત સહન કરી હતી. ‘એપલ’માંથી હાંકી કઢાયા પછી દસ દસ વર્ષ સ્ટિવ જોબ્સ કોઈ પણ કામ વગર રખડયો હતો.


એ પછી બમણા જોરથી તેણે એપલ કંપની પાછી હાંસલ કરીને આજે ૨૦૧૦માં તેણે ‘આઈ પોડ’ અને ‘આઈ પેડ’ બજારમાં મૂકીને ડંકો વગાડયો છે. એપલની કોમ્પ્યૂટર ઈન્ડસ્ટ્રીમાં સફળ થયા પહેલાં તે ડિઝની વર્લ્ડ અને ફિલ્મી દુનિયામાં સફળ થયો પછી સંગીતની દુનિયામાં સફળ થયો હતો. સ્ટિવ જોબ્સે કોઈ પેપ્સીના જોખમી પીણાં કે નાસ્તા વેચીને જગતના લોકોની તંદુરસ્તી બગાડવાનો ધંધો કર્યો નહોતો.


‘એપલ’ કંપનીને ઊચે લાવવા સ્ટિવ જોબ્સે, જહોન સ્કલી નામના માર્કેટિંગ વિઝાર્ડને દોસ્ત બનાવ્યો ત્યારે ૧૯૮૩માં કોકાકોલા અને પેપ્સી વચ્ચેના યુદ્ધમાં પેપ્સીને આગળ લાવવા જહોન સ્કલી પુરુષાર્થ કરતો હતો. સ્ટિવ જોબ્સે તેને એક રાત્રે બોલાવી પરોઢિયા સુધી સમજાવીને કહ્યું કે ‘શું તું તારી આખી જિંદગી એક નક્કામા અને આરોગ્યને હાનિ કરનારા પેપ્સીના પીણાંને પ્રચલિત કરીને વેડફવા માગે છે? આ દુનિયાને કંઈ ઉપયોગી થાય તેવા મારા પર્સનલ કોમ્પ્યૂટરને પ્રચલિત કર જેથી નવયુવાનો તેમના જ્ઞાનને આધારે અને બીજાને પણ ઉપયોગી થાય. અને શું થયું? પેપ્સીના માર્કેટિંગને છોડીને જહોન સ્કલી એપલ કોમ્પ્યૂટરનો માર્કેટિંગ મેનેજર બન્યો! અને તે પણ ઓછા પગારે.


જ્યારે ‘એપલ’ના પ્રથમ સફળ સાહસ પછી સ્ટિવ જોબ્સ બીજા સાહસમાં નિષ્ફળ ગયો ત્યારે તેણે એક અદભૂત સૂત્ર પોતાને માટે (અને જગતના યુવાનો માટે) નક્કી કર્યું-ધ હેવીનેસ ઓફ બીઈગ સકસેસફુલ મસ્ટ બી રિપ્લેસ્ડ બાય બીકમિંગ એ બિગિનર અગેઈન.


એક ધંધો હાથમાં લઈને તેની સફળતાનો ભાર સતત વેંઢારવા કરતાં નવેસરથી કંઈક પ્રારંભ કરવાનો સ્પિરિટ રાખવો જોઈએ. સ્ટિવ જોબ્સે નેકસ્ટ નામની કંપની સ્થાપી, જેણે વર્લ્ડ વાઈડ વેબ (ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ)ની શોધ કરી છે. એ કંપની લગભગ દેવાળું ફૂંકવામાં હતી પણ તેની આ વર્લ્ડ વાઈડ વેબને આજે તમે, હું અને આપણે બધા વાપરીએ છીએ.


૪-૫-૦૯ના રોજ બ્રુસ ગ્રિઅરસને ‘વિધરિંગ ધ સ્ટોર્મ’-જીવનનાં તોફાનોનો મુકાબલો નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. તે ખરેખર દરેક બિઝનેસમેને વાંચવા જેવું છે. વોલ્ટ ડિઝની, હેન્રી ફોર્ડ, વિન્સ્ટન ચર્ચિલ અને થોમસ એડિસન તમામ શરૂના જીવનમાં નિષ્ફળ ગયા હતા.

યુવાનોને સ્ટિવ જોબ્સ કહેતો કે તમે સપનાં સેવો-ડ્રીમર થાઓ. ‘આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ બિકોઝ આઈ એમ એ ડ્રીમર બટ આઈ એમ નોટ ધ ઓન્લી વન ડ્રીમર યુ કેન જોઈન મી એઝ ડ્રીમર્સ. સપનાંઓની કોઈની મોનોપોલી નથી. સપનાં સેવો, સફળ થાઓ.’

No comments:

Post a Comment