Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Tuesday, February 14, 2012

પ્રેમના બીજમાંથી જ પરમ તત્વ રૂપી વૃક્ષ પાંગરે છે..

પ્રેમના બીજમાંથી જ પરમ તત્વ રૂપી વૃક્ષ પાંગરે છે.. : જીવનનું સાચું તત્વ ત્યાં જ જોવા મળે છે જ્યાં માનવી પ્રેમની નજરે જુએ છે. પ્રેમના માર્ગે વહેતું જીવન આનંદના ઝરણા જેવું હોય છે. પ્રેમ જીવનને અર્થપૂર્ણ, હર્યુંભર્યું અને મહેકતું બનાવી દયે છે. આજના આ શુભ દિવસે આપનું જીવન પ્રેમપૂર્ણ બની રહે એ જ અભ્યર્થના ... વધુ માટે ચિત્ર જોવા વિનંતી ....

Child's Confusion

મનેએક કિસ્સો યાદ આવે છે. એક વખત હું એક બગીચા માં બેઠો હતો. વાતાવરણ ખુબજ સુંદર હતું,સૂર્યાસ્ત થઇ રહ્યો હતો, પક્ષીઓ એના માળા માં જઈ રહ્યા હતા. એવામાં મેં એક બાળક ને જોયું અને મને તેની સાથે વાત કરવાનું મન થયુ.

મેં તે બાળક ની પાસે જઇ ને પૂછ્યું, કે તું કોણ છે? મારો સવાલ તો એકદમ સરળ હતો છતાં પણ તે બાળક મારી સામે આશ્ચર્ય થી જોઈ રહ્યું. અને જો જો બાળક દિલ નું હમેશા સાફ હોય છે, તે મોટા લોકો ની જેમ સામાજિક ફરજો થી, કે વિચારસરણી થી બંધાયેલું હોતું નથી એટલે જે તેના મનમાં હોય તે નિસંકોચ પણે કહી દે છે. મારા પ્રશ્ન ની એ બાળક થોડું વિચારમાં પડી ગયું પણ થોડી વારે મને કયુ કે, મને ખબર નથી કે હું કોણ છું. આ સાંભળી હું વિસ્મય પામ્યો. મેં કહ્યું કેમ તું આવું બોલે છે. તે બાળકે કયું, "હું મારા માતાપિતા નું એકમાત્ર સંતાન છું. કોઈ પણ મારા ઘરે આવે એટલે તે એમ કહેવા લાગે કે મારું નાક મારા માતા જેવું છે, મારી આંખો મારા પિતા જેવી છે, મારો દેખાવ મારા દાદા જેવો છે, કોઈ પણ વ્યક્તિ એ એવું નથી કીધું કે કૈક મારા જેવું પણ છે, આથી મને ખબર નથી કે હું કોણ છું. કારણકે મારામાં મારા જેવું તો કશું છે જ નહિ ને.

મને થયું કે આ બાળક ની વાત સાચી છે. આ બાળક જ નહિ પરંતુ ઘણાખરા બાળકો ની હાલત આવીજ કૈક છે. મોટાભાગ ના બાળકો તેની પોતાની નહિપણ તેના માબાપ ની જ જીંદગી જીવતા હોય છે. 3 Idiots માં બતાવ્યા મુજબ હજી તો બાળક નો જન્મ જ થયો હોય ત્યાતો એ ડોક્ટર બનશે કે એન્જીનીઅર તે નક્કી થઇ ગયું હોય. ભણતર ના ભાર હેઠળ દબાયેલું બાળક હવે રીયાલીટી શો ના ભાર હેઠળ પણ દબાઈ રહ્યું છે. એક કદી ન પૂરી થનાર રેસ ના ઘોડા ની જેમ એ બાળક દોડ્યાજ કરે છે, અને જયારે આ ભાર સહન થતો નથી ત્યારે આત્મઘાતી પગલા પણ લે છે.


દરેક બાળક અલગ છે, માટે તેની સરખામણી એ ઈશ્વર ની સરખામણી કરવા બરાબર છે. એ બાળક કઈ ગુલામ નથી, અને માબાપ તરીકે તમે કઈ એના માલિક નથી. ઈશ્વરની ઈચ્છા થી જ એ બાળક પૃથ્વી પર છે, અને તમે ફક્ત એ ઈશ્વરની યોજના સફળ થાય તે માટેનું માધ્યમ છો આ સિવાય કશું જ નહિ. એ બાળક તેની પોતાની જીંદગી જીવવા આવ્યું છે, નહિ કે તમારી અધૂરી રહી ગયેલી આશા ને પૂરી કરવા, એ તમારી જીંદગી નહિ એની પોતાની જીંદગી બનાવવા આવ્યું છે.


તારે ઝમી પર, ની જેમ તમારું બાળક એ ઈશ્વરે મોકલેલું અદભુત વરદાન છે. માટે એને એની રીતે વિકસવા દો. અને તમારી આશા, અપેક્ષા કે ઈચ્છાપૂર્તિ નું સાધન ના બનાવો.

નિષ્ફળતા પછી સફળતા માટેના કીમિયા - મયુર ગાંધી

જેનાં જીવનનાં સાહસોની સફળતા કરતાં નિષ્ફળતાનું લિસ્ટ લાંબુ છે તે ‘એપલ’ કોમ્પ્યૂટરના સ્વામી સ્ટિવ જોબ્સના જીવન વિશે બીજો હપ્તો લખવાનું પ્રયોજન એ છે કે તેણે સાહસિક-યુવાન-બિઝનેસમેનો માટે પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે. તેના જીવન વિશે ૧૦૩ પુસ્તકો લખાયાં છે અને કહ્યું છે કે રિપીટેડ ફેલ્યોરમાંથી જ જીવનની પરમસિદ્ધિ મળે છે.


સ્ટિવ જોબ્સના મરણ વિશે બબ્બે વખત પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાઓએ સમાચારો આપેલા. બ્લુમબર્ગ નામની ખૂબ જ પ્રતિષ્ઠિત ટીવી ચેનલે તો સ્ટિવ જોબ્સના જીવન વિશે ૨૫૦૦ શબ્દોની મરણનોંધ પણ પ્રગટ કરેલી. તે પછી ૩-૧૦-૨૦૦૮ના રોજ સ્ટિવ જોબ્સને મરણતોલ હૃદયહુમલો થયો છે તેવા ખોટા સમાચારો સીએનએનએ પ્રસારિત કરેલા. એ પ્રકારે કયુબાના ક્રાંતિકારી પ્રમુખ ફિડેલ કેસ્ટ્રો અને પોપ જ્હોન પોલ બીજાના મરણના પણ ખબર છપાયેલા તેમાંથી તેમને લાંબુ આયુષ્ય મળેલું છે. છેલ્લે છેલ્લે સ્ટિવ જોબ્સના લીવરના ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન ફેલ ગયું છે તેવા સમાચાર હતા.


એ. ટી. એન્ડ ટી. નામની જગવિખ્યાત સોફ્ટવેર કંપનીના ભારતીય વડા દીપક શેઠીએ કહ્યું છે કે ‘ફેલ્યોર ઈઝ પ્રાઈમરી વેહિકલ ફોર સક્સેસ.’ સફળતા માટેની ઝડપી છૂકછૂક ગાડીમાં બેસવું હોય તો નિષ્ફળતાથી નિરાશ ન થાઓ. જો આપણા વડીલો યુવાન લોકોને જીવનમાં નવા નવા અખતરા કરવાની છૂટ આપે, નવા નવા જીવન-પ્રયોગો કરવાની છૂટ આપે તો તેને નિષ્ફળ થવાની સ્વતંત્રતા પણ આપવી જોઈએ.


પ્રમુખ અબ્રાહમ લિંકને ૧૮૩૧માં બિઝનેસમાં ફેલ જઈને દેવાળું કાઢેલું. ૧૮૩૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા. પાછા બિઝનેસમાં આવ્યા ત્યારે અબ્રાહમ લિંકન ફરી ફેલ થયેલા. તેના હૃદયની જીગર-સ્વીટહાર્ટ ૩૫ની વયે ગુજરી ગઈ. લિંકનને ૧૮૩૬માં નર્વસ બ્રેકડાઉન થઈ ગયેલું. કોંગ્રેસની ચૂંટણીમાં ૧૮૪૩માં હારી ગયેલા. ઉપપ્રમુખની ચૂંટણીમાં અને સેનેટમાં હારી ગયા પછી છેક ૧૮૬૦માં લિંકન પ્રમુખ થયેલા. બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટની સફળતાની વાતો થાય છે પણ તેની ‘ઓમેગા’ નામની ડેટાબેઈઝ ફેલ ગયેલી. આઈ.બી.એમ. સાથેની ભાગીદારીમાં બિલ ગેટ્સે કરોડો રૂપિયા ગુમાવેલા.


સ્ટિવ જોબ્સે તેના જીવનમાં શ્રેણીબદ્ધ નિષ્ફળતા પછી સફળતાના બાર નિયમો ઘડેલા. (૧) તમે જે પ્રવૃત્તિને ચાહતા હો તે કામ જ હાથમાં લો અને છેવટે હાથમાં લીધેલા કામને પ્રેમ કરો. (૨) બી-ડિફરન્ટ-બીજા કરતાં ચીલો ચાતરીને ચાલો. અનોખા થાઓ. (૩) ડુ યોર બેસ્ટ-સફળ થવા કોઈ પ્રયત્ન બાકી ન રાખો. (૪) દરેક નિષ્ફળતાનું પૃથક્કરણ કરો. (૫) ધંધામાં સાહસ કરો. (૬) નાનેથી શરૂઆત કરો પણ ઘ્યેય ઊચું રાખો. (૭) જે વ્યવસાયમાં જાઓ તેના નેતા બનો. બીજા લોકો માટે પ્રેરણારૂપ બનો. (૮) હંમેશાં ફોક્સ જાળવો. (૯) ચારેકોરથી લોકોનો સહકાર મેળવો. (૧૦) સતત-સતત કંઈક નવું કરો. (૧૧) તમારી નિષ્ફળતામાંથી શીખો. (૧૨) સતત નવું શીખતા રહેવા પુસ્તકો વાંચો. બીજાનાં જીવનચરિત્રો વાંચો.


‘ફોર્બસ’ નામના સફળ આર્થિક પાક્ષિકના માલિક માલ્કમ ફોર્બસે કહેલું કે ફેલ્યોર ઇઝ સકસેસ ઇફ વી લર્ન ફ્રોમ ફેલ્યોર. આ જાતની શીખ જગતના તમામ સફળ લોકો આપે છે. નિષ્ફળતામાંથી શીખીએ તો નિષ્ફળતા એ એક મોટો શિક્ષક છે. સ્ટિવ જોબ્સ કેમ નિષ્ફળતાઓને પાર કરીને સફળતાની ટોચે આવ્યો છે તે માટે જેફ્રી એસ. યંગનું પુસ્તક ‘ધ ગ્રેટેસ્ટ સેકન્ડ એક્ટ ઇન બિઝનેસ હિસ્ટ્રી’ નામનું પુસ્તક વાંચવું જોઈએ.


જેફ્રી યંગે સૌપ્રથમ સ્ટિવ જોબ્સની આત્મકથા લખી છે. તમે પોતે લોહી-પાણી એક કરીને અને ઉજાગરા કરીને તેમ જ પ્રેમલગ્નવાળી પ્રિયતમાને પૂરતો સમય આપવાને બદલે કંપનીમાં જ ઘ્યાન રાખો તેવા વલણથી ‘એપલ’ કંપની સ્થાપી હોય તે બીજાઓ ઝૂંટવી જાય તેની કેવી હાલત થાય? સ્ટિવ જોબ્સે આવી હાલત સહન કરી હતી. ‘એપલ’માંથી હાંકી કઢાયા પછી દસ દસ વર્ષ સ્ટિવ જોબ્સ કોઈ પણ કામ વગર રખડયો હતો.


એ પછી બમણા જોરથી તેણે એપલ કંપની પાછી હાંસલ કરીને આજે ૨૦૧૦માં તેણે ‘આઈ પોડ’ અને ‘આઈ પેડ’ બજારમાં મૂકીને ડંકો વગાડયો છે. એપલની કોમ્પ્યૂટર ઈન્ડસ્ટ્રીમાં સફળ થયા પહેલાં તે ડિઝની વર્લ્ડ અને ફિલ્મી દુનિયામાં સફળ થયો પછી સંગીતની દુનિયામાં સફળ થયો હતો. સ્ટિવ જોબ્સે કોઈ પેપ્સીના જોખમી પીણાં કે નાસ્તા વેચીને જગતના લોકોની તંદુરસ્તી બગાડવાનો ધંધો કર્યો નહોતો.


‘એપલ’ કંપનીને ઊચે લાવવા સ્ટિવ જોબ્સે, જહોન સ્કલી નામના માર્કેટિંગ વિઝાર્ડને દોસ્ત બનાવ્યો ત્યારે ૧૯૮૩માં કોકાકોલા અને પેપ્સી વચ્ચેના યુદ્ધમાં પેપ્સીને આગળ લાવવા જહોન સ્કલી પુરુષાર્થ કરતો હતો. સ્ટિવ જોબ્સે તેને એક રાત્રે બોલાવી પરોઢિયા સુધી સમજાવીને કહ્યું કે ‘શું તું તારી આખી જિંદગી એક નક્કામા અને આરોગ્યને હાનિ કરનારા પેપ્સીના પીણાંને પ્રચલિત કરીને વેડફવા માગે છે? આ દુનિયાને કંઈ ઉપયોગી થાય તેવા મારા પર્સનલ કોમ્પ્યૂટરને પ્રચલિત કર જેથી નવયુવાનો તેમના જ્ઞાનને આધારે અને બીજાને પણ ઉપયોગી થાય. અને શું થયું? પેપ્સીના માર્કેટિંગને છોડીને જહોન સ્કલી એપલ કોમ્પ્યૂટરનો માર્કેટિંગ મેનેજર બન્યો! અને તે પણ ઓછા પગારે.


જ્યારે ‘એપલ’ના પ્રથમ સફળ સાહસ પછી સ્ટિવ જોબ્સ બીજા સાહસમાં નિષ્ફળ ગયો ત્યારે તેણે એક અદભૂત સૂત્ર પોતાને માટે (અને જગતના યુવાનો માટે) નક્કી કર્યું-ધ હેવીનેસ ઓફ બીઈગ સકસેસફુલ મસ્ટ બી રિપ્લેસ્ડ બાય બીકમિંગ એ બિગિનર અગેઈન.


એક ધંધો હાથમાં લઈને તેની સફળતાનો ભાર સતત વેંઢારવા કરતાં નવેસરથી કંઈક પ્રારંભ કરવાનો સ્પિરિટ રાખવો જોઈએ. સ્ટિવ જોબ્સે નેકસ્ટ નામની કંપની સ્થાપી, જેણે વર્લ્ડ વાઈડ વેબ (ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ)ની શોધ કરી છે. એ કંપની લગભગ દેવાળું ફૂંકવામાં હતી પણ તેની આ વર્લ્ડ વાઈડ વેબને આજે તમે, હું અને આપણે બધા વાપરીએ છીએ.


૪-૫-૦૯ના રોજ બ્રુસ ગ્રિઅરસને ‘વિધરિંગ ધ સ્ટોર્મ’-જીવનનાં તોફાનોનો મુકાબલો નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. તે ખરેખર દરેક બિઝનેસમેને વાંચવા જેવું છે. વોલ્ટ ડિઝની, હેન્રી ફોર્ડ, વિન્સ્ટન ચર્ચિલ અને થોમસ એડિસન તમામ શરૂના જીવનમાં નિષ્ફળ ગયા હતા.

યુવાનોને સ્ટિવ જોબ્સ કહેતો કે તમે સપનાં સેવો-ડ્રીમર થાઓ. ‘આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ બિકોઝ આઈ એમ એ ડ્રીમર બટ આઈ એમ નોટ ધ ઓન્લી વન ડ્રીમર યુ કેન જોઈન મી એઝ ડ્રીમર્સ. સપનાંઓની કોઈની મોનોપોલી નથી. સપનાં સેવો, સફળ થાઓ.’

સબળ ઇચ્છાશક્તિ સફળતા અપાવે!!!! - મયુર ગાંધી

મુંબઈથી ૧૦૦ કિમીના અંતરે આવેલા પનવેલમાં શાળાકીય સુવિધા એવી નથી કે જેના પર ગર્વ કરી શકાય. ત્યાં રહેતી અર્ચના પાટિલ આજકાલ બહુ ખુશ છે. આખરે તેમની મહેનત રંગ લાવી છે. તેમનો દીકરો જતિન (જે ઓટિઝમથી પીડિત છે) દુનિયાના દસ દેશોમાંથી પસંદ કરાયેલાં એ ૫૦૦ બાળકોમાં સામેલ છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલંપિયાડના લેવલ ટૂમાં ઉપસ્થિત રહેશે.





છઠ્ઠા ધોરણમાં ભણતા જતિનની બીજી પણ અનેક ઉપલબ્ધિઓ છે. તે ચોથા ધોરણમાં રાયગઢ જિલ્લામાં સ્કોલરશિપ એકઝામમાં પ્રથમ આવ્યો હતો. જતિનને ગણિતના પ્રશ્નોના જવાબ શોધવામાં મજા આવે છે. તેના ચહેરાની નિર્દોષતા લોકોનાં દિલ જીતી લે તેવી છે. તે અજાણ્યા લોકો સાથે વાત કરતાં ગભરાય છે.

તેને તમે ઘરમાં મોટા ભાગે એનસાઇકલોપીડિયાનાં પાનાં પલટાવતાં જ જોશો. પસંદગીના વિષય અંગે પૂછતાં જતિનનો જવાબ હોય છે, ‘મને અંતરિક્ષને લગતા કાર્યક્રમો ગમે છે. ગ્રહ, નક્ષત્ર, તારામંડળ અને અન્ય ખગોળીય વસ્તુઓ વિશે વાંચવું ગમે છે. ડિસ્કવરી ચેનલ પર અંતરિક્ષ સંબંધિત કાર્યક્રમ ઉપરાંત કાટૂર્ન જોવા પણ ગમે છે.’

જતિનની બહેન રશ્મિ સાંભળી શકતી નથી, પરંતુ તે સારી શાસ્ત્રીય નત્યાંગના છે. તેની માતા અર્ચનાનું કહેવું છે કે ‘શરૂઆતમાં મેં જતિનને સ્પીચ થેરાપી માટે મોકલ્યો હતો. ત્યાર બાદ મેં પણ મુંબઈમાં એક કોર્સ કર્યો, જેમાં શિખવાડવામાં આવ્યું કે આ પ્રકારનાં બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ.

મેં રશ્મિ માટે એક વર્કશોપમાં ટ્રેનિંગ લીધી હતી, જેનો મને ઘણો ફાયદો થયો. હવે હું મારાં બંને બાળકોને શીખવી શકું છું.’ અર્ચનાએ પોતાની નોકરી છોડીને પોતાનો બધો સમય બાળકોને સમર્પિત કરી દીધો. અર્ચનાના પતિ સુરેશ પાટિલ વકીલ છે. અભ્યાસમાં અવ્વલ જતિને ઓલ ઇન્ડિયા ઓપન મેથ્સ સ્કોલરશિપ એકઝામમાં ૪૩મો નંબર મેળવ્યો.

વર્ષ ૨૦૦૮-૦૯માં તે મહારાષ્ટ્ર ગણિત અઘ્યાપક મંડળની પરીક્ષામાં રાયગઢ જિલ્લામાં સાતમા સ્થાને રહ્યો હતો. તેના પિતા સુરેશનું કહેવું છે કે ‘તેને ૬નો આંકડો લખવામાં તેમજ પેઇન્ટિંગ કરવામાં તકલીફ પડતી હતી. અમે તેની આ નબળાઈઓ પર કામ કરીને એ નક્કી કર્યું કે તે ઝડપથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકે. તેનું જ પરિણામ છે કે વર્ષ ૨૦૦૬-૦૭માં તેણે કલા ચિલ્ડ્રન એકાદમીમાંથી ગોલ્ડમેડલ હાંસલ કર્યો.’ફંડા એ છે કે જો તમારામાં આગળ વધવાની અદમ્ય ઇચ્છા અને જુનૂન હોય તો વિકલાંગતા તમારા માર્ગની મુસીબત નથી બની શકતી

પ્રેમ !

૧૪ ફેબૃઆરી ૨૦૧૦ ના રવીવાર ના રોજ મોટાભાગ ની વ્યક્તિઓં એ પ્રેમ ના આ પર્વ ને ઉજવ્યો. અમુક લોકોએ એમની લાગણીઓને ફુલ કે કાર્ડ દ્વારા રજુ કરી ત્યારે અમુક લોકો એ એકબીજા પ્રત્યે ની લાગણીને ઉજવી.

ઓશો રજનીશ કહે છે કે પ્રેમ એકજ એવી અનુભૂતિ છે જે Artificial કદી લાવી જ ન શકાય. કોઈ પર અમથે અમથો ગુસ્સો થાય પણ પ્રેમ અમથે અમથો ના થાય. પ્રેમ થાય તો થાય ને નો થાય તો નો થાય. પ્રેમ પર કોઈ શરતો લાગુ ના પાડી શકાય. I Love You પર નાની ફુદરડી મૂકી ને નીચે ઝીણા અક્ષરોમાં Conditions Apply ના લખી શકાય. એવીજ રીતે પ્રેમ ને કોઈ બિઝનેશ ની જેમ અગાઉ થી પ્લાન પણ ના કરી શકાય. પ્રેમ થાય તો થાય ને નો થાય તો નો થાય.

ઈશ્વરનો પૃથ્વી પ્રત્યેનો પ્રેમ જોવો હોય તો પૂર્ણરૂપે ખીલેલા પુષ્પ ને જુઓ., ખળખળ વહેતી નદી ને જુઓ, સવાર ના ઉગતા સુર્ય ને વધામણી આપતા પંખીઓના કલરવ ને સાંભળો..... આ બધામાં તમને ઈશ્વરનો પ્રેમ જ છલકાતો દેખાશે.

એક વ્યક્તિ સ્વામી રમણ પાસે ગયો અને કહ્યું કે મને બ્રમ્હજ્ઞાન આપો, મેં ૨૫ વર્ષ સુધી બ્રમચર્ય નું પાલન કર્યું છે, વેદો ને ઉપનીષદો નું અધ્યયન કર્યું છે. પરન્તું હવે મને બ્રમ્હજ્ઞાન મેળવવાની ઈચ્છા છે. સ્વામી રમણે કહ્યું કે એ બધું તો ઠીક પણ તે કદી પ્રેમ કર્યો છે? પેલા ભાઈ ને થયું કે આ શું, સ્વામીજી મને બ્રમ્હજ્ઞાન આપવાને બદલે આવો અર્થ વગરનો સવાલ કેમ કરે છે? તેમણે જવાબ આપ્યો કે વિદ્યાભ્યાસ દરમ્યાન મને પ્રેમ જેવી મામુલી ચીજ માટે સમય જ ન હતો અને અત્યારે હું અહિયા બ્રમ્હજ્ઞાન મેળવવા આવ્યો છું માટે તમે મને તેની વાત કરો, આ પ્રેમ ની ચર્ચા અત્યારે અસ્થાને છે. રમણ ને આ જવાબ થી સંતોષ ના થયો એટલે એણે ફરી પૂછ્યું, કે તે કદી પ્રેમ નથી કર્યો, માતા સાથે પ્રેમ, ભાઈ ભાંડું સાથે પ્રેમ કે પ્રેમિકા સાથે પ્રેમ.... પેલા ભાઈએ નકાર માં માથું ધુણાવ્યું. આ જોઈ સ્વામી રમણ બહુ દુખી થયા અને કહ્યું કે ભાઈ તો તો હું તને કશી મદદ ના કરી શકીશ. તે માનવસર્જિત તમામ જ્ઞાન તો અવશ્ય મેળવ્યું પણ ઈશ્વર સર્જિત પ્રેમ ને કડી અનુભવ્યો જ નથી માટે બ્રમ્હજ્ઞાન તો બહુ દુર ની વાત છે.

પ્રેમ ની મહાનતા ને શબ્દો માં કે પુસ્તક માં તો વર્ણવી શકાય જ નહિ. એ તો એક અદ્વિતીય અનુભૂતિ છે જેની ચરમસીમાએ સર્જન ના તમામ દ્વાર ખુલી જાય છે. પ્રેમ ની પરાકાષ્ઠા એ જ સર્જન ની શરૂઆત છે. મોટાભાગ ના ધર્મગ્રંથો ના નિયમો પ્રેમ ની વિરુદ્ધ છે અને કદાચ એ માનસિકતાને કારણે જ Valantine Day જેવા પ્રેમ ના ઉત્સવો નો વિરોધ પણ એટલોજ થઇ રહ્યો છે.

એકવાર એક ક્લાસ માં ટીચરે પૂછ્યું કે પ્રેમ એટલે શું? એક સાતમાં ધોરણ માં ભણતી એક દીકરી આગળ આવી અને બહુ સરસ જવાબ આપ્યો કે મારા દાદી ને સાંધાની બીમારી છે. ૭૦ વર્ષ ની ઉમરે મારા દાદા દર રવિવારે મારી દાદી ને પગ ના નખ રંગી આપે છે. મારા હિસાબે તો આજ પ્રેમ છે.

પ્રેમ શબ્દો નો કે બાહ્યસુંદરતા નો કે પૈસા થી આકર્ષતો નથી. એ તો એક અનુભૂતિ છે, જીવનભર સાથે રહેવાની, ન બોલાયેલા શબ્દો ને પણ સમજવાની, એકબીજાને હુંફ આપવાની અને આનંદ ની અનુભૂતિ કરવાની. I Love You એ ત્રણ શબ્દો સાથે ઈશ્વરનું પ્રેમ રૂપી વરદાન જોડાયેલું છે. પ્રેમ એ આ સમગ્ર સૃષ્ટિ નો આધાર છે. આ સૃષ્ટિ માંથી પ્રેમ ની બાદબાકી એ સમગ્ર સૃષ્ટિની બાદબાકી બરાબર છે. પ્રેમ કરો તો પ્રેમથી કરો, EGO કે કૈક મળવવાની વૃતિ થી નહિ.

કોઈક ને થાય કે પ્રેમ ની મહત્તમ ઊંચાઈ શું? What is the Ultimate Hight of the Love? કોઈ કોને કેટલો પ્રેમ કરે છે તે માપી શકાય? How much do you love me.... is it measurable? આ પ્રશ્ન એવો છે કે પૃથ્વી નો છેડો કયો? જો પ્રેમ ને માપવા જશો તો તે પ્રેમ મટી કોઈ વસ્તુ બની જશે, જેની Expiry Date પણ છે, અને ત્યારે તમે તેને માપી પણ શકશો. જેમ ઈશ્વર તેનામાજ સંપૂર્ણ છે તેમ પ્રેમ પણ તેનામાંજ સંપૂર્ણ છે. પ્રેમ ના માપદંડો ના હોય. હું તને ખુબજ પ્રેમ કરું છું તેમ કહેવાને બદલે હું તને પ્રેમ કરું છું તેમ કહેવું જ કાફી છે........... જો બંને પક્ષે એટલી સમજદારી હોય તો.

એક વખત એક દવાખાના માં એક કાકા ડોક્ટર ની રાહ જોતા હતા. થોડીથોડી વારે કાકા ઘડિયાળ જુએ અને આમતેમ આટા મારે. આખરે અડધી કલાકે ડોક્ટર આવ્યા. કાકા ડોક્ટરની ચેમ્બર માં સીધા ઘુસી જ ગયા અને કહ્યું કે મને જલ્દીથી ડ્રેસિંગ કરી આપો મારે મોડું થઇ ગયું છે, મારે જવાનું છે ને મારી પત્ની સાથે ચા પીવાની છે. ડોક્ટર ને થયું કે ૭૦ વર્ષ ની ઉમરે આ કાકા નું ચસકી ગયું લાગે છે. ડોક્ટરે ફટાફટ ડ્રેસિંગ કર્યું. આખરે ડોક્ટર થી રહેવાણુ નહિ એટલે પૂછી જ લીધું, "કાકા ! આ ઉમરે પણ રોજ કાકી સાથે ચા પીવો છો?. કાકાએ જવાબ આપ્યો, "ના ભાઈ ના, મારી પત્ની છેલ્લા ૮ વર્ષ થી મેન્ટલ હોસ્પિટલ માં છે. એ કોઈને ઓળખતી નથી. દર અઠવાડીએ એક વાર મને તેને મળવા દેવામાં આવે છે. આજે મારો મળવાનો વારો છે, અને ઘરે થી હું મારા હાથે ચા બનાવી તેના માટે લઇ જાવ છું." ડોક્ટરે પૂછ્યું, "કાકા, તમારી પત્ની તમને ઓળખી શક્તિ નથી છતાં પણ તમે આટલી આતુરતા થી તેને મળવા જાવ છો?" આ સાંભળી કાકા બે મીનીટ ચુપ રહ્યા, આંખો ભીની થઇ ગઈ. ધીમે રહીને ડોક્ટરની સામે જોઈ ને કહ્યું, "બેટા, હું તો તેને ઓળખું છુ ને. "

આ છે સાચો પ્રેમ, જેની કોઈ સીમાં નથી, એ તો આ વીરાટ બ્રમ્હાંડરૂપી અનુભૂતિ છે, જેનું માપ લેવું અશક્ય છે. એટલેજ તો કહે છે ને કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે તો પંડિત હોઈ.....

A VERY HAPPY VALENTINE'S DAY!

એક હજાર લખોટીઓ

એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમૅને પોતાનો રેડિયો ઑન કર્યો. આમ તો દરરોજ એ એટલો બધો બિઝી (વ્યસ્ત રહેત કે રેડિયો, ટી.વી. કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમા સ્થાન જ નહોતું. રાતદિવસ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે જોડે ભોજન ક્યારે લીધું હતું ? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે ?


એ શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો હતો. ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા. જો કે રેડિયો સાવ અમસ્તો જ નહોતો શરૂ કર્યો ! હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમૅન જોડે મિટિંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ થઈ.. એટલે હવે સવારના એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઑન કરેલો.




રેડિયો ઑન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમૅનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી. એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, 'ટૉમ ! તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે...


હું જાણું છું કે તું ખૂબ જ બિઝી (વ્યસ્ત) રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે, પરંત તેં ક્યારેય વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે ?


ઘણોખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો છો. તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો. તને યાદ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમમાં તું હાજરી આપી શક્યો નહોતો, ખરું ને ?' એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો.


પેલા બિઝનેસમૅનને પણ હવે એની વાતમાં બરાબરનો રસ પડ્યો હતો. થોડુંકવૉલ્યુમ વધારી એ ધ્યાનથી સાંભળવા લાગ્યો.






રેડિયો પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું, 'ટૉમ ! મારા ભાઈ ! હું તને એક એવી વાત કહેવા માગું છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી છે. વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક ગણિત માંડી જોયું. પુરુષની સરેરાશ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે. જોકે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે, પરંતુ સરેરાશ ઉંમર પંચોતેર વરસની હોય છે. હવે એ 75ને 52 વડે ગુણી નાખ્યા, કારણ કે એક વરસમાં 52 શનિવાર હોય છે. ગુણાકાર આવ્યો 3900. એટલે કે આટલા શનિવાર સરેરાશ 75 વરસ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે.. (પરદેશમાં શનિવાર સૌથી આનંદનો દિવસ ગણાય છે, કારણ કે એના બીજા દિવસે રજા હોય છે !) જ્યારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર હતી 55 વરસ ઉપર. એનો અર્થ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવાર તો પસાર કરી ગયો હતો ! હવે જો હું 75 વરસ સુધી જ જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 શનિવાર બચ્યા હતા ! એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યાં હતાં ! મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા.


હું વિચારમાં પડી ગયો. ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ, બેચાર સ્ટોરમાં રખડીને હું એક હજાર લખોટીઓ લઈ આવ્યો. એ લખોટીઓને મારા ટેબલ પર એક કાચની બરણીમાં ગોઠવી દીધી. દર શનિવારે હું એમાંથી એક લખોટી કાઢીને ફેંકી દઉં છું. જેમ જેમ હું એ બરણીને ખાલી થતી જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો, સગાંવહાલાં અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે. અગત્યના અને કરવા જેવાં કામોની મેં યાદી પણ બનાવી લીધી છે અને હા, તમારી જિંદગીના ઘટતા જતાં દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ સમજાવી દે છે !'






રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો, 'હા તો ટૉમ ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટી કાઢી ! મારા દોસ્ત ! આજે મને 75 વરસ પૂરાં થયાં. અત્યારે હું મારી વહાલી પત્ની તેમ જ બાળકોને શહેરના મોટા અને આધુનિક રેસ્ટોરંટમાં નાસ્તો કરવા લઈ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો


દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે. હું ખરેખર ખૂબ જ આનંદથી જીવું છું. હું ઈચ્છું કે તું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે.. એના લીધે પંચોતેરમાં વર્ષે શું ગુમાવ્યું એનો અફસોસ ન રહે ! તું એવું કરી શકે એના માટે તને મારી શુભેચ્છાઓ ! હું હવે રજા લઉં છું દોસ્ત ! બાય !'






રેડિયો પર વાર્તાલાપ પૂરો થયો. એની અસર એવી હતી કે પેલો બિઝનેસમૅન ઊંડા વિચારમાં પડી ગયો. થોડી વાર પછી એ ઊભો થયો. બેચાર ફોન કરી કંઈક વાત કરી પછી ઉપરના માળે જઈ પોતાની પત્ની તેમ જ બાળકોને ઉઠાડ્યા. બધાને નવાઈ લાગી. કોઈ પણ વાર હોય, સવારના પાંચ વાગ્યામાં જ બિઝનેસની પળોજણમાં પડી જતાં એ માણસને આજે હળવા મૂડમાં જોઈ બધાને ખૂબ જ આશ્ચર્ય થતું હતું.. છતાં કંઈ પણ બોલ્યા વિના બધા તૈયાર થવા લાગ્યા. ઘરના બધા જ સભ્યો તૈયાર થઈને નીચે બેઠકખંડમાં આવ્યા એટલે બિઝનેસમૅને એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી હોટલમાંનાસ્તો કરવા જવાનું છે અને એ પછી બાજુના દરિયાકિનારે પિકનિક પર ! ઘરની દરેક વ્યક્તિ આનંદના આઘાતમાં સરી ગઈ. પણ કોઈએ કંઈ જ દલીલ કરી નહીં.. એમની જિંદગીમાં પ્રથમ વખત આવેલી એ પળોને દલીલોથી દુષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી.






બધા હોંશે હોંશે ગાડીમાં ગોઠવાયા. દરેકનો ચહેરો હસતો હતો. મનમાં કંઈક જુદા જ પ્રકારની


ખુશી હતી.. બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે એ બિઝનેસમૅને ગાડી ઊભી રાખી.. બધા ચૂપ થઈ ગયા.. એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછી જ લીધું કે, 'કેમ તમારો વિચાર બદલી ગયો કે શું ? અહીંયા કેમ ઊભા રહી ગયા ?'


બિઝનેસમૅન થોડી વાર વહાલથી એની સામે જોઈ રહ્યો. પછી હસીને બોલ્યો, : 'નહીં વહાલી ! વિચાર નથી બદલ્યો ! આ તો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે !!'






MORAL OF THE STORY: Go get your marbles today and start enjoying life with your loved ones.






"There Is Sufficiency In the World for Man's Need but Not for Man's Greed

દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે?

શની રવિ ની રજા પછી સોમવાર ની સવાર હમેશા આકરી જ્ પડે. ફરી ઓફીસે જવું પડશે એમ વિચારી ને હું ઉઠ્યો, ઘરનું બારણું ખોલ્યું ને છાપું હાથમાં લીધું. જોયું તો આ શું?

મારો ફોટો........છાપામાં.......પણ મારો ફોટો આ અવસાન નોંધ માં શા માટે?.................

એક મીનીટ..... જરા વિચારવા દે.....
હા યાદ આવ્યું.......ગઈકાલે રાત્રે સુતા વખતે મને છાતી માં અસહ્ય દુખાવો ઉપાડ્યો હતો. મને શહેર ની સારામાં સારી હોસ્પિટલ માં લઇ ગયા પણ ત્યાં તો થોડી જ વાર માં મને ખુબ સરસ નીંદર આવી ગયેલી....

અત્યારે સવાર ના દસ વાગ્યા છે? મારી ચા ક્યાં છે? હું ઓફિસે મોડો પહોચીશ તો મારા બોસ ને મને પજવાવાનો વધુ એક મોકો મળી જશે. .............. ઘર ના બધા ક્યાં છે?

મને લાગે છે કે મારા રૂમ ના દરવાજા પાસે મારા જાણીતા લોકો ઉભા છે, પણ એ બધા શા માટે રડી રહ્યા છે? જરા જોવા તો દે, એમ વિચારી ને મેં રૂમ માં જોવાનો પ્રયત્ન કર્યો. જોયું તો આ શું?........ હું જમીન પર ચત્તોપાટ પડ્યો હતો. હું તો આ દ્રશ્ય જોઈ ને ડઘાઈ જ ગયો. મેં બધા ને કહ્યું, "જુઓ, મારી તરફ જુઓ... સંભાળો તો ખરા.... હું તમારી બાજુમાં જ ઉભો છુ. તમે ત્યાં કોને જોઈ રહ્યા છો? અરે મારી સામું જુઓં... ત્યાં નહિ....."

મારી આટલી બુમો મારવા છતાં કોઈ મારી સામે જોતું ન હતું. બધા મારા જમીન પર પડેલા શરીર ને જોઈ રડી રહ્યા હતા....

શું હું મૃત્યુ પામ્યો છુ? મેં મારી જાત ને સવાલ કર્યો. મારા પત્ની ને બાળકો ક્યાં છે? હું બબાકળો બની તેમને ગોતવા લાગ્યો. જોયું તો બાજુના રૂમ માં મારી પત્ની રડી રહી હતી અને એની માં ને રડતી જોઈ, મારા બાળકો પણ રડી રહ્યા હતા. આ દ્રશ્ય મારા માટે સોથી કઠીન અને હૃદયદ્રાવક હતું. હું હજુ પણ આ પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર ન હતો. હું કેવી રીતે માની શકું કે મારું જીવન અહીયાજ પૂરું થઇ ગયું છે?

હું આ દુનિયા કેવી રીતે છોડી શકું જ્યાં મેં હજુ સુધી મારી પત્ની ને કદી કહ્યું જ નથી કે તે આ જગત ની સૌથી સુંદર વ્યક્તિ છે, તેને મારી ખુબ સારસંભાળ લીધી છે, મારા બાળકોને સારા સંસ્કારો આપ્યા છે. હું આ દુનિયા કેવી રીતે છોડી શકું કે જયારે મેં કદી મારી પત્ની ને બાળકોને કહ્યું જ નથી કે હું તેમને કેટલો પ્રેમ કરું છુ. હું મારા મિત્રો નો ઉપકાર માન્ય વગર જઈ જ કેવી રીતે શકું. તેમના માર્ગદર્શન ના કારણેજ હું મારા જીવનમાં સાચા નિર્ણયો લઇ શક્યો. જે પેલી તરફ ઉભેલ વ્યક્તિ એક સમય મારો ખુબ નજીકનો મિત્ર હતો. એક નાનકડી ગેરસમજ ના કારણે અમારી વચ્ચે બોલવાના પણ વ્યવહારો રહ્યા ન હતા. હું તેની માફી માગવા ઈચ્છું છુ. પરંતુ મને લાગે છે કે અહિયા રહેલી કોઈપણ વ્યક્તિ મને જોઈ કે સાંભળી શકતી નથી.

હું ખરેખર મૃત્યુ જ પામ્યો છુ. હું નિરાશ થઇ મારા મૃતપાય શરીર ની બાજુમાં બેસી ખુબજ રોવા લાગ્યો. ઈશ્વર ને આજીજી કરવા લાગ્યો કે હે ભગવાન ! મને થોડા દિવસ વધારે જીવવાનો મોકો આપ. ફક્ત થોડા જ દિવસ. હું મારા પરિવારને , મારા મિત્રો ને એક વખત કહેવા માગું છુ કે હું તેમને કેટલો પ્રેમ કરું છુ. હું મારી પત્ની કહેવા માગું છુ કે આખી દુનીયા માટે તું એક વ્યક્તિ છો પણ એક વ્યક્તિ માટે તું આખી દુનિયા છો. હે પ્રભુ, થોડો વધારે સમય આપ, ફક્ત એક મોકો મારા બાળકો ને છાતીસરસા ચાંપવાનો. એક મોકો, મારા જીવન ની ચડતીપડતી માં મારો સાથ આપવા બદલ મારી પત્ની નો આભાર માનવાનો.

હું ચીસ પડી ઉઠ્યો, ભગવાન એક મોકો PLEASEEEEEEEEEEEE

શું તમે નીંદર માં કોઈ ખરાબ સ્વપ્ન જોયું? ........... મારી પત્ની એ મને ધીમેકથી જગાડ્યો...હું ઝબકી ને જાગી ગયો. જોયું તો બાજુ માં મારી પત્ની બેસી ને મને કહી રહી હતી કે મેં કોઈ ખરાબ સ્વપ્ન જોયું અને એટલે જ મારાથી ઊંઘ માં ચીસ પડી ગઈ. મેં કહ્યું કે એ કોઈ ખરાબ નહિ પરંતુ આંખો ઉઘાડનાર સપનું હતું. મેં ત્યારેજ મારી પત્ની નો આભાર માન્યો અને કહ્યું કે તું આ જગત ની સૌથી સારામાં સારી પત્ની છો. તે મારા જીવન ના સારા ખરાબ દરેક પ્રસંગે મારો સાથ આપ્યો છે એનો હું આભાર માનું છુ અને તને ખુબજ પ્રેમ કરું છુ. મને આ બીજો મોકો આપવા બદલ અને મારી આંખો ખોલવા બદલ મેં પરમકૃપાળુ પરમાત્મા નો ખરા દિલ થી આભાર પ્રગટ કર્યો. I thanked god for giving me this SECOND CHANCE.

હું તો જાગી ગયો...... શું તમે હજી સુતા છો?????????
-------------------------------------------------------------
આ નાનકડી વાર્તા ઘણું કહી જાય છે. ખરેખર દરેક સવાર એ આપણને ઈશ્વરે આપેલો બીજો મોકો છે - આપના અહમ ને ભૂલવાનો, આપણી આજુબાજુ માં રહેલી તમામ વ્યક્તિ માં ઈશ્વર ને ઓળખવાનો, હસવાનો - હસાવવાનો અને આનંદ કરવાનો. પરંતુ ભાગદોડ ભરી જીંદગી માં આપણે દરેક દિવસે આ મોકો ગુમાવીએ છીએ. ઈશ્વરે પૃથ્વી બનાવી તો તેની સાથે એ તમામ વસ્તુઓ મૂકી કે જેનાથી આપણે આનંદ મેળવી શકીએ. પરમાત્મા એ પહાડો બનાવ્યા, નદી, ઝરણાઓ, રંગબેરંગી ફૂલો અને પક્ષીઓ બનાવ્યા. કડી સૂર્યોદય ને નીરખી ને જોયો છે? એમ લાગે કે કોઈ ઋષિ તપ કરીને ના ઉઠ્યા હોય ને પક્ષીઓ તેને તેના કલરવ થી વધાવતા હોય! સવારના સુર્ય ની કોમળતા અને ચંદ્ર ની શીતળતા નું કોઈ મૂલ્ય જ ના આંકી શકાય. પરંતુ આપણે ઈશ્વરસર્જિત કૃતિઓ માંથી આનંદ મેળવવાની બદલે માનવસર્જિત મામુલી વસ્તુઓમાંથી આનંદ મેળવવા ટેવાયેલા છીએ, અને આ વસ્તુઓ ને મેળવવા માટે દરેક દિવસે ગાંડાની માફક ભાગદોડ કરીએ છીએ.

આ ભાગમભાગી ની પરાકાષ્ઠા નો એક દાખલો ભારત ના કોર્પોરેટ ક્ષેત્ર ની વ્યક્તિ સાથે બન્યો. એક Multinational સોફ્ટવેર કંપની S A P ના ચીફ એક્ઝીક્યુટીવ શ્રીમાન રંજન દાસ નું ૪૨ ની નાની વયે ૨૧ ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ હૃદયરોગ ના હુમલા ના કારણે દુખદ અવસાન થયું. શ્રીમાન રંજન દસ એક સારા એથ્લેટ અને મેરેથોન વિનર હોવાની સાથે સાથે એક હેલ્થ કોન્શિયસ વ્યક્તિ પણ હતા. મુંબઈ માં સવારે બીચ પર મોર્નિંગ વોક કરવા નીકળેલા ઘણા લોકો તેમનાથી પરિચિત હતા. આટલી સારી સારસંભાળ રાખવા ચાત આટલી નાની ઉમરે આવું બન્યું કેમ? એવું કહેવાય ચે કે એનું એકમાત્ર કારણ હતું તનાવ અને તેના કારણે રાત્રે ન થતી પૂરતી ઊંઘ. આજની ગળાકાપ સ્પર્ધા માં ઉચ્ચો હોદ્દો અને પૈસાદાર ને પણ શરમાવે તેવું વૈભવી જીવન જીવવાની લાલસાએ વ્યક્તિ ને ઘાંચી ના બળદ જેવો બનાવી દીધો છે.

શું તમને નથી લાગતું કે આ ભાગદોડ થી ભરેલી જિંદગીમાંથી પોતાના માટે થોડો સમય કાઢવો હવે અનિવાર્ય છે? થોડા સમય પહેલા મારા પિતાશ્રી ને તેમના અમેરિકા માં રહેતા એક મિત્રે થોડીક પંક્તિઓ મોકલી જે અહી લખી રહ્યો છુ................




દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરા તો નજર નાખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર ઉજવાય છે.
દિવાળી હોય કે હોળી, હવે તો બધુ ઓફીસમાંજ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું પરંતુ હદ તો ત્યાં થાય છે,
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ ક્યાં વપરાય છે.
પત્ની નો ફોન બે મિનિટ માં કાપીએ પણ Client કે Boss નો ફોન ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રો થી પણ કોઈનાય ઘેર ક્યાં જવાય છે.
હવે તો ઘરનાય પ્રસંગો હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈનેય ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે.
થાકેલા છે બધા પણ ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇકને ડોલર કે પાઉન્ડ દેખાય છે.
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય છે?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલતા પ્રવાહ માં આપણા સંસ્કારો ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એકવાર તો દિલ ને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈએ મને હજુ સમય દેખાય છે.



દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરા તો નજર નાખ, સામે કબર દેખાય છે.

શ્રેષ્ઠતા ની પરીભાષા

એક વખત હું ફરતા ફરતા એક Under Construction મંદિર પાસે પહોંચ્યો. જોયું તો એક મૂર્તિકાર મૂર્તિ બનાવતો હતો. હું તેને જોવા લાગ્યો. પણ આ શું મૂર્તિકાર જે મૂર્તિ બનાવતો હતો તદ્દન તેવી જ એક મૂર્તિ તો તેની બાજુમાંજ પડી હતી. આ જોઈ મને થોડી આશ્ચર્ય થયુ. મેં પેલા મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ તું એકજ ભગવાન ની બે મૂર્તિ બનાવે છે કે શું? મૂર્તિકારે જવાબ આપ્યો "ના, મારે તો ફક્ત એક જ મૂર્તિ બનાવવાની છે. પેલી મૂર્તિ તો પૂરી થવામાં જ હતી ત્યાં તે થોડી ખરાબ થઇ ગઈ."

હું તે મૂર્તિ પાસે ગયો. મને થયું કે જોવા તો દે આ મૂર્તિ માં શું ખરાબી છે? લગભગ અડધો કલાકના મથામણના અંતે મને તો તે મૂર્તિ માં કોઈ ખરાબી દેખાઈ જ નહિ. એટલે મેં મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ આ મૂર્તિ માં એવી તો શું ખરાબી છે કે તું ફરી પછી મહેનત કરી ને બીજી મૂર્તિ બતાવવા લાગ્યો? તે મૂર્તિકારે કહ્યું કે તેના નાક પાસે એક નાનકડો કાપો પડી ગયો છે.હું વિચાર માં પડી ગયો. મેં બારીકી થી નિરીક્ષણ કર્યું છતાં પણ મને કઈ દેખાયું નહિ અને આ મૂર્તિકાર કહે છે કે નાક પાસે એક નાનકડો કાપો છે એટલે એ બીજી મૂર્તિ બનાવવા લાગી ગયો. આખરે તો હું વાણીયો ને એટલે મેં તે મૂર્તિકાર ને પૂછ્યું, "તારે આ મૂર્તિ ક્યાં ગોઠવવાની છે?" મૂર્તિકારે કહ્યું કે પેલા વીસ ફુટ ઉંચા પીલર પર. મેં કહ્યું કે ભાઈ મને બે ફુટ દુરથી આ નાક પાસે નો કાપો દેખાયો નહિ તો બીજા લોકો ને વીસ ફુટ દુરથી ક્યાં દેખાવાનો છે. કોને ખબર પડવાની છે કે ત્યાં નાક પાસે કાપો છે. આ સાંભળી મૂર્તિકારે મારી સામે જોયું અને આંખોમાં એક અજબ સી ચમક સાથે કહ્યું, "મને તો ખબર છે ને."

Excellence does not require audit, feedback or comments from others. શ્રેષ્ઠતા નું સાચું પરિમાણ તો તમારું મન જ છે. તેને અન્યના આધાર ની જરૂર નથી. એક રીતે જોવા જઈએ તો મૂર્તિકારને વ્યવ્હારું ના ગણતા જીદ્દી કહી શકો પરંતુ શ્રેષ્ઠતા એ જીદ્દી લોકો ની જ નિશાની છે. ગાંધીજી જીદ્ધી હતા એટલેજ શ્રેષ્ઠ હતા. દાંડીયાત્રા વખતે તે બધાના મંતવ્યો માંગવા નહોતા ગયા. મેં તો અકેલા ચલા થા, કાંરવા બનતા ગયા એમ એ તો નીકળી પડ્યા. તેમણે એટલું જ જોયું કે તેમની યાત્રા નું પરિણામ પ્રજા માટે શ્રેષ્ઠ છે.

આપણે ઘણી વખત આપણા કરતા બીજા ના આપણા કામ પ્રત્યેના મંતવ્યો પર આધાર રાખીએ છીએ. લોકો ને કેવું લાગશે? લોકો આ ઘટના ને કેવી રીતે જોશે? તેઓ મારા વખાણ કરશે કે નિંદા? આવું કદાચ તમે વિચારતા હો તો એમાં તમારો વાંક નથી. નાનપણ થી જ તમારું એક Programming કરવામાં આવ્યુ છે, ભણતા હતા ત્યારે શિક્ષકોના મંતવ્યો, ઘરમાં મોટેરાઓ ના મંતવ્યો, દોસ્તો ના મંતવ્યો, સહકર્મચારીઓ ના મંતવ્યો, બોસ ના મંતવ્યો, સંતાનો ના મંતવ્યો, પત્ની ના મંતવ્યો, સગા સંબંધીઓં ના મંતવ્યો અને આ મંતવ્યો ની વચ્ચે રહેતા રહેતા તમને તમારા પોતાના મંતવ્યો નો આવાજ દાબીજ દીધો છે. આજે પ્રતિજ્ઞા કરો કે દરેક કાર્ય નું જયારે અવલોકન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તમે તમારા મન નો આવાજ સાંભળશો.

જીવન માં જયારે પણ નિર્ણય કરવામાં, હા કે ના માં દ્વિધા અનુભવો ત્યારે ખીસ્સામાંથી એક સિક્કો કાઢી ને Toss કરો. એટલા માટે નહિ કે તે તમને નિર્ણય કરવામાં મદદ કરે, પરંતુ એટલા માટે કે જે સમય દરમ્યાન કિંગ છે કે ક્રોસ્સ એ ખબર નથી તે સમયગાળા દરમ્યાન તમને તમારા હૃદય નો અવાજ સંભાળવાનો મોકો મળશે. તમને એ ખબર પડશે કે તમારું મન શું ઈચ્છે છે.

ઓટો સજેશન

આપણુ મન એક બગીચા જેવું છે, આપણા ઘર જેવું છે. શું આપણે આપણા ઘરમાં કોઈ અજાણ્યા ‌વ્યક્તિ ને ઘુસવા દઈશું? કોઈ એવા વ્યક્તિ ને ઘુસવા દેશું કે જે તમને અથવા તમારા ખૂબ સારી રીતે સજાવેલા ઘર ને નુકશાન પહોંચાડે? વેલ, મોટાભાગે તો જવાબ ના માંજ હોઈ શકે. પરંતુ જયારે આપણે મન નો વિચાર કરીએ ત્યારે આપણે ઘણી વખત નેગેટીવ વિચારો ને આપણા મન માં પ્રવેશવા દઈએ છીએ. જે આપણા મન ને તો નુકશાન પહોંચાડે જ છે પરંતુ શરીર ને પણ ઘણું નુકશાન પહોંચાડે છે. દરેક સવાર ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે. પ્રકૃતિ ના તમામ અનુભવો માં ઈશ્વરની છબી નજરે પડશે, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ.

તો આજથી મનોમન નક્કી કરીએ કે કદી કોઈ નેગેટીવ વિચારને આપણા મન ઉપર કાબુ કરવા નહી દઇએ.મન એ ઈશ્વરે આપેલ સુંદર બગીચો છે જેમાં આશારૂપી ફુલ ખીલે છે. આ બગીચામાં નેગેટીવ વિચાર રૂપી જંતુ ઓં ને પ્રવેશવા ના દઈએ.

રોજ સવારે નીચે મુજબ આપણા મન ને ઓટો સજેશન આપીએ.
---------------------------------------------------------------------------------------------

આજથીહું મનોમન નક્કી કરું છુ અને દ્રઢપણે માનું છુ

હું એટલો મક્કમ છુ કે કોઇપણ ઘટના મારી માનસિક શાંતિ હણી શકતી નથી. હું દરેક સમયે પ્રફુલ્લિત અને આનંદિત રહું છુ. મારાજીવન માં બનતી તમામ ઘટનાઓ ને હું ઈશ્વરના આશીર્વાદ રૂપે માનું છુ.

હું મારી જાત ને દરેક પળે
એટલો વિશાળ અનુભવું છુ કે કોઈ ચિંતા હણી શકે જ નહિ.
એટલો ઉમદા અનુભવું છુ કે ક્યારેય ક્રોધ સવાર થઇ શકે જ નહિ.
અને એટલો પ્રસન્ન અનુભવું છુ કે વિપદાઓ ક્યારેય ફરકી શકેજ નહિ.
હું સંપૂર્ણપણે સ્વ ના કાબુ માં છુ.

હું જેને મળું છુ તે બધા સાથે મારો વાતો નો વિષય ફક્ત સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ જ હોય છે.

હું મારા મિત્રો ને એવી અનુભૂતિ કરવું છુ કે તેમનામાં કૈક છે.

હું દરેક બાબતની ફક્ત સારી જ બાજુ નિહાળું છુ અને મારા હકારાત્મક આશાવાદ ને સાચો પાડવા દિલ થી સંપૂર્ણ પ્રયત્નો કરું છુ.

હું મારા સ્વવિકાસ માં એટલો રચ્યો પચ્યો રહું છુ કે અન્ય વિષે ટીકા કે ટીપ્પણી કરવાનો મારી પાસે સમય જ નથી.

હું ફક્ત શ્રેષ્ઠ બાબતો વિષે જ વિચારું છુ, શ્રેષ્ઠ બાબતો પરજ કામ કરું છુ અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખું છુ.

હું બીજાની સફળતા માટે એટલો ઉત્સાહી રહું છુ જેટલો મારી સફળતા માટે હોઉં.

બોસ આ ગુજરાત છે

અહી પ્રેમ કેરો સાદ છે
પ્રભુજી નો પ્રસાદ છે
પ્રકૃતિ નો વરસાદ છે ............ બોસ આ ગુજરાત છે

અહી નર્મદા ના નીર છે
માખણ ને પનીર છે
ને ઉજળું તકદીર છે..............બોસ આ ગુજરાત છે

અહી ગરબા રાસ છે.
વળી જ્ઞાન નો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે .............. અલ્યા આ ગુજરાત છે.

અહી ભોજન માં ખીર છે
સંસ્કાર માં ખમીર છે ને
પ્રજા શુરવીર છે ..................... કેવું આ ગુજરાત છે

અહી વિકાસ ની વાત છે,
સાધુઓ ની જમાત છે,
ને સઘળી નાતજાત છે..............યાર આ ગુજરાત છે

અહી પર્વો નો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે,
ને શોર્ય નો સહવાસ છે............દોસ્ત આ ગુજરાત છે

જીંદગી : શક્ય નથી કે ઉતરી પડીએ અધવચારે, જીવવું શું છે કેવળ વાઘસવારી

૧) થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિ ની શાક્ષી એ લગ્ન થાય છે અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિ નો સાક્ષાત્કાર થાય છે.

૨) ધૂળ જેવી છે આ જીંદગી આપણી, આંસુડા રેડી એમાં કીચડ ના કર.

૩) કાયદાની શીક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કર્યું કે અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને સઘળી ટ્યુશન ફી પછી મેળવી.

૪) સંતાન ને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો, આખરે તો એ માબાપ ને જ અનુસરશે.

૫) બરફ જેવી છે આ જીંદગી, જેનો ભૂતકાળ પણ પાણી ને ભવિષ્ય કાળ પણ પાણી.

૬) પ્રશ્નો તો રહેવાનાજ. સુખી લોકો ને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભુખ લાગે અને દુખી લોકોનો પ્રશ્ન છે કે ભુખ લાગે છે પણ શું કરીએ?

૭) ઈશ્વર નું બેલેન્સ કેવું અદભુત છે. પાંચ મણ ની ઘઉં ની બોરી ઉપાડી શકે તે મજુર એકીસાથે ખરીદી ના શકે અને જે ખરીદી શકે તે તેને ઉપાડી ના શકે.

૮) કેટલાક લોકો નું દિલ દરિયા જેવું વિશાળ હોય છે જેમાં એક ચકલું એ તેની તરસ છીપાવી ના શકે.

૯) અને છેલ્લે
શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહે તે મોત
ઈચ્છાઓ ખૂટી જાય અને ફક્ત શ્વાસ જ બાકી રહે તે મોક્ષ.

મીત્ર ને છરી પાછી આપતા

આ લ્યો તમારી છરી


જેની તમને ખોટ જ ન સાલવી જોઈએ


એવુ તમારૂ ઓજાર


ચળકતુ, ચોખ્ખુ ને ધારદાર


લગભગ નવા જેવુ જ


મારી પીઠે એને જરીકે ય નુકશાન પહોંચાડયુ નથી.

જલસાઘર

પરિચય છે મન્દિર મા દેવોને મારો ,
અને મસ્જિદ મા મને ખુદા ઓળખે છે;
નથી મારૂ વ્યક્તિત્વ છાનુ કોઇથી
તમારા પ્રતાપે મને બધા ઓળખે છે.




મે લો’યા છે પાલવમાં ધરતીના આંસુ,
કરૂણીના તોરણ સજાવી રહયો છુ;
ઉડી ગઈ છે નીંદર ગગન સર્જકોની
મને જ્યારથી તારલાઓ ઓળખે છે.




અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા
નથી માત્ર છબછબીયા કિધા કિનારે
મળી છે અમોને જગા મોતિઓમાં
તમોને ફ્ક્ત બુદબુદા ઓળખે છે.






તબિબો ને કહિ દો કે માથુ ન મારે
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકિકત માં હુ એવો રોગી છુ કે જેને
બહુ સારી રીતે દવાઓ ઓળખે છે.

ભગવાન બુદ્ધ

એક વખત ભગવાન બુદ્ધે એક સ્થાન પર રાત્રી રોકાણ કર્યું. રાત્રે બુદ્ધ ફક્ત એકજ પડખે સુતા રહ્યા. આ જોઈ તેના શીષ્યએ સવારે પૂછ્યું, "ભગવાન, આપ રાત્રે સુતા હતા કે જાગતા હતા?" ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે મારું શરીર સુતું હતું પણ મન તો જાગતું જ હતું. શીષ્યને કશું સમજાયું નહિ. આ જોઈ બુદ્ધે કહ્યું કે સમય આવ્યે બધું સમજાઈ જશે. થોડા સમય બાદ ભગવાન બુદ્ધ કથા કરી રહ્યા હતા ત્યારે એક ભક્ત પગ હલાવી રહ્યો હતો. બુદ્ધે પૂછ્યું, "ભાઈ તું પગ કેમ હલાવી રહ્યો છે?" ભક્તે જવાબ આપ્યો કે ભગવાન મને તો ખ્યાલ જ નથી કે મારો પગ હલી રહ્યો છે. ભગવાન બુદ્ધે તરતજ શીષ્યની સામે જોઈ ને કહ્યું કે આ માણસનું શરીર તો જાગે છે પણ મન ની અવસ્થા તો સુતા બરાબર જ છે.

ઘણી વખત આપની પરિસ્થિતિ પણ આવી જ કંઇક થાય છે. આપણે શું કરી રહ્યા છીએ, શુંબોલી રહ્યા છીએ, એની આપણને ખબર હોતી જ નથી. જ્યાં સુધી શબ્દો બોલાયા નથી ત્યાં સુધી તે તમારા કાબુ માં છે, પરંતુ એક વખત શબ્દો બોલાઈ ગયા પછી તમે શબ્દો ના કાબુ માં છો તે જાણવા છતા પણ ભૂલ થઇ જાય છે. ઓશો રજનીશે કહ્યું છે કે, Awareness is the first step towards Enlightenment. આપણી આપણા કામ પ્રત્યેની, આપણી વાચા પ્રત્યેની, સૃષ્ટિ પ્રત્યેની જાગૃત્તાજ આપણને ઈશ્વર ણી સમીપ લઈ જાય છે. હિંદુ ધર્મ માં જયારે મંદિર માં જઈએ ત્યારે ઘંટ વગાડીએ છીએ . આ ઘંટ એ આપણી મરી પરવારેલી જાગૃતતાને સચેતન કરવાનો સંદેશ છે, નહી કે દીનાનાથ ને જગાડવાનો, એ તો જાગેલો જ છે.

એક સુફી સંત ને ત્યાં થોડા મહેમાનો આવેલા. એમના એક મહેમાને સુફી સંત નું ઘર જોઈ ને કીધું કે તમારી પાસે બેસવા માટે ખુરશી નથી? સંતે જવાબ આપ્યો કે તમારે લેતી આવાવી જોઈએને. મેહેમાને કહ્યું કે હું તો અહી મહેમાન છુ. ત્યારે સુફી સંતે જવાબ આપ્યો કે હું પણ અહી મહેમાન જ છુ ને.

વાસ્તવિકતા પણ કૈક આવી જ છે. પૃથ્વી તેમજ સમગ્ર સૃષ્ટિ નો માલિક તો પરમકૃપાળુ પરમાત્મા જ છે, તમેતો ફક્ત એક હંગામી ઉપભોક્તા જ છો..... A Temporary User. તમારી અને ઈશ્વર ની વચ્ચે થયેલા એક બિનશરતી કરાર ના ભાગરૂપ. તો પછી માંલીકીપણાનો ભાવ શા માટે? જે કઈ આપણી પાસે છે, આપણી આસપાસ છે તેનો આનંદ લેવાને બદલે ફરિયાદો નો ખડકલો શા માટે? જ્યાં તમારી માલિકી નો કોઈ સવાલ જ ઉઠતો નથી ત્યાં પછી અહંમ શા માટે? જયારે અહંમ ત્યજી ને બીજાના જીવનને આનંદમય બનાવવાના પ્રયત્નો માં રચ્યા પચ્યા રહીશું ત્યારે આપણુ જીવન આનંદમય બનવાનું જ. જયારે બીજાના ધ્યેયપૂર્તિમાં આપનો ધેય શોધીશું ત્યારેજ સાચા આનંદ ની પ્રાપ્તિ થશે અને ત્યારેજ ઈશ્વર ના દર્શન પણ થશે.

Monday, February 13, 2012

Motivational Quotes : Gujarati



Difference between successful and unsuccessful people


પ્રેમ

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
... પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ